ભરણપોષણના કાયદાની કાર્યવાહી
ઘણી વાર મહિલા કલમ ૧૨૫ નીચે પણ ખાધાખોરાકી માગતી હોય છે
જ્યારે મહિલા ભરણપોષણ મેળવવા માટે અરજી કરે ત્યારે કોર્ટ તેની વાત સાંભળીને તેને ખાધાખોરાકીનો ખર્ચ અપાવવા નોટિસ આપી શકે છે. ખાધાખોરાકીના કેસમાં વ્યક્તિ ગેરહાજર રહે અને તે માટે તેના વકીલ તરફથી યોગ્ય પુરાવા પૂરા પાડવામાં આવ્યા હોય, તો વ્યક્તિની ગેરહાજરીમાં પણ કેસ આગળ ચાલી શકે છે. વાંચવામાં સરળ લાગતા ભરણપોષણના કાયદાની કાર્યવાહી જાણવી ખૂબ જરૂરી છે કારણ કે તે થોડીક લાંબી, જટિલ અને પુરાવાલક્ષી છે.
જ્યારે કોઇ પણ વ્યક્તિ સામે કલમ ૧૨૫ હેઠળની એટલે કે ખાધાખોરાકી કે ભરણપોષણ મેળવવા માટેની કાર્યવાહી કરવાની આવે ત્યારે પહેલો પ્રશ્ન એ થાય કે આ કાર્યવાહી ક્યાં કરવી. આ કાયદા નીચે કોઇ પણ વ્યક્તિ સામે કાર્યવાહી જ્યાં તે હોય અથવા જ્યાં તે અથવા તેની પત્ની રહેતી હોય અથવા જ્યાં તે તેની પત્ની સાથે કે અનૌરસ બાળકની માતા સાથે છેલ્લે રહેલ હોય તે જિલ્લામાં આવેલી કોર્ટમાં કાર્યવાહી કરી શકશે. ભરણપોષણની અરજી આવી વ્યક્તિ સામે જે તે જિલ્લા કોર્ટમાં કર્યા પછી અરજી સંબંધે તમામ પુરાવાઓ લેવામાં આવતા હોય છે. ઘણી વખત તે વ્યક્તિ જેની સામે કેસ કર્યો હોય તે કોર્ટમાં હાજર રહેતી નથી એટલે તેના વકીલે તે વ્યક્તિની કોર્ટમાં હાજર ન રહેવા માટેની પરવાનગી માગી હોય અને કોર્ટે તે વ્યક્તિને જાતે હાજર રહેવામાં મુક્તિ આપી હોય તો પણ આવા કેસમાં કાર્યવાહી આગળ ચાલે છે અને વકીલની હાજરીમાં તમામ પુરાવાઓ લેવામાં આવે છે. આ કલમની કાર્યવાહી અનુસારના પુરાવાઓ જેવી રીતે સમન્સ કેસમાં નોંધવામાં આવે છે તેવી રીતે જ નોંધવામાં આવે છે. જ્યારે કોઇ મહિલા ખાધાખોરાકી માટે અરજી દાખલ કરાવે ત્યારે આ અરજી ઉપર તેને સાંભળીને મેજિસ્ટ્રેટ સાહેબ સામેવાળાને નોટિસ કાઢતા હોય છે. અરજીમાં જ્યારે આવી નોટિસની બજવણીનો હુકમ થાય છે ત્યારે ઘણી વખત નોટિસ તે વ્યક્તિને એટલે કે સામાવાળાને બજતી નથી એટલે અરજીની સુનાવણી મુદતના દિવસે સામેવાળી વ્યક્તિ ગેરહાજર હોવાથી મુદત પડતી હોય છે. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ જ્યારે નોટિસ બજતી ના હોય અને કેસની કાર્યવાહી ચાલતી ના હોય, અરજી કરનાર વ્યક્તિ કોર્ટના ધક્કા ખાઇને થાકી જાય છે ત્યારે આવા સંજોગો માટે આ કાયદામાં એવી પણ જોગવાઇ કરવામાં આવી છે કે મેજિસ્ટ્રેટને સંતોષ કે ખાતરી થાય કે જે વ્યક્તિની સામે ભરણપોષણનો હુકમ કરવાનો હોય તે વ્યક્તિ ઇચ્છાપૂર્વક સમન્સ અથવા નોટિસની બજવણી ટાળે છે અથવા ઇરાદાપૂર્વક કોર્ટમાં હાજર રહેતો નથી તો મેજિસ્ટ્રેટ કેસની સુનાવણી આગળ ચલાવી શકે છે અને એકતરફી હુકમ પણ કરી શકે છે.
આ કાર્યવાહીના હુકમ સંબંધમાં કોર્ટને યોગ્ય અને ન્યાયી જણાય તો ખર્ચ સંબંધી પણ હુકમ કરી શકે છે. ઘણી વાર જે વ્યક્તિ સામે ભરણપોષણનો કેસ કર્યો હોય તેની આવક કેસનો હુકમ થયા પછી વધી ગઇ હોય તેવી માહિતી અરજદારને પ્રાપ્ત થાય, તો આવા સંજોગોમાં માસિક ભરણપોષણની અથવા વચગાળાના ભરણપોષણની રકમ આપવાનો જેને હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યક્તિના સંજોગો બદલાયા હોવાનું સાબિત થયેથી મેજિસ્ટ્રેટ, ભરણપોષણની રકમ અથવા વચગાળાના ભરણપોષણની રકમમાં પોતાને યોગ્ય લાગે તે ફેરફાર કરી શકે છે. દા.ત. મહિલાએ જ્યારે પોતાના પતિ સામે ખાધાખોરાકીની અરજી દાખલ કરી હોય ત્યારે તેને એવો ખ્યાલ હોય કે તેનો પતિ અમુક રકમ જ કમાય છે અને એટલે તેણે તે પ્રમાણે ખાધાખોરાકી માગી હોય, પરંતુ જો તેને ખબર પડે કે તેના પતિનો પગાર ખૂબ વધ્યો છે અને તેની બઢતી થઇ છે તો તે આવકનો પુરાવો જેમ કે તેની પગારની સ્લીપ જો કોર્ટમાં પુરાવા રૂપે રજૂ કરે તો કોર્ટ તેને વધારે ખાધાખોરાકી આપવાનો હુકમ કરી શકે. કોર્ટ તેના બાળકોને માટે પણ તે પ્રમાણે ખાધાખોરાકીનો હુકમ કરી શકે છે. ઘણી વાર મહિલા કલમ ૧૨૫ નીચે પણ ખાધાખોરાકી માગતી હોય છે અને સાથે સાથે તેનો છુટાછેડાનો કેસ પણ દિવાની અદાલતમાં ચાલતો હોય છે. એ છુટાછેડાના કેસમાં જો ખાધાખોરાકીનો હુકમ થયેલો હોય અને જો મેજિસ્ટ્રેટ જ્યારે એવી માન્યતા ઉપર આવે કે દિવાની અદાલતના હુકમને પરિણામે કલમ ૧૨૫ હેઠળના હુકમને રદ કરવાની જરૂર છે, બદલવાની જરૂર છે તો મેજિસ્ટ્રેટ તે હુકમ રદ કરશે કે બદલી શકશે. જેની તરફેણમાં ભરણપોષણ અથવા વચગાળાનો અને કાર્યવાહીના ખર્ચનો હુકમ કરવામાં આવે તે વ્યક્તિને તે હુકમની નકલ વિનામૂલ્યે મળે છે. જો મેજિસ્ટ્રેટને ખાતરી થાય કે ભરણપોષણની અથવા ખર્ચની લેણી રકમ ચુકવાઇ નથી તો તે હુકમનો મેજિસ્ટ્રેટ તરત અમલ કરાવી શકે છે. આમ આપણે જોયું કે ભરણપોષણનો કાયદો એટલા માટે છે કે જે વ્યક્તિ પોતાની પત્નીને અથવા બાળકોને અથવા મા-બાપને ભરણપોષણ આપવામાં પોતાની બેદરકારી રાખે છે તેને માટે કાયદાએ ખાસ જોગવાઇ કરી છે જેથી પોતાની જાતે પોતાનું ભરણપોષણ કરવા અસમર્થ વ્યક્તિ ભૂખમરાથી બચવા આ કાયદાનો સહારો લઇ શકે છે. કેટલાક કિસ્સાઓમાં પરિણીત મુસ્લિમ સ્ત્રીને આ કલમ હેઠળ ભરણપોષણ મળી શકે છે.
- કેલ્વિન પરમાર